કમ્પ્યુટરાઈઝ્ડ કિન્ના સર્વિસ
જર્મનીથી આયાત કરેલાં લેટેસ્ટ મશીનથી પતંગમાં કાણાં પાડી આપવામાં આવશે. પાકી બેવડી દોરીથી ઘેરબેઠા કિન્ના બંધાવો. કમ્પ્યુટરાઈઝ્ડ પતંગ બેલેન્સિંગ પણ કરી આપવામાં આવશે. અમારી કિન્ના બાંધેલા પતંગ ઓછી હવામાં ચગે છે અને વધારે હવામાં ફસકી પડતાં નથી.
ફીરકી પકડનાર
દરેક હાઈટનાં લેડીઝ તેમજ જેન્ટ્સ ટ્રેઈન્ડ ફીરકી પકડનાર સપ્લાય કરવામાં આવશે. પેચ દરમિયાન ફીરકી પકડનાર બીજે ક્યાંય ફાંફાં મારે કે ખણશે નહીં તેની કંપની ગેરંટી. અમારો સ્ટાફ પતંગ ચગાવનારની પાછળ પાછળ આખા ધાબામાં ફરશે, બૂમો પાડવામાં સાથ આપશે તેમજ પતંગ કપાતાં દોરી નીચે નમીને આજુબાજુના ધાબાવાળાને ખબર ન પડે તેમ ઝડપથી લપેટી લેશે. ‘બહુ તડકો છે’ કે ‘બહુ ઠંડી છે’ જેવાં બહાનાં કાઢી ચાલુ પેચે ભાગી નહીં જાય એની ગેરંટી.
પતંગ લૂંટવા મેનપાવર
શું તમને કિન્ના બાંધવાનો કંટાળો આવે છે? શું તમારા પતંગ જલદી જલદી કપાઈ જાય છે? ઘરનાં છોકરાં આળસુ છે? તમારે જરૂર છે તમારા પોતાના કહી શકાય એવા પતંગ લૂંટનારની. તમારા કપાયેલા પતંગ પાછા લાવવા, ઝાડમાં ફસાયેલા પતંગ કાઢી આપવા, દુશ્મનના પતંગ પર લંગસ નાખવા જેવી અનેકવિધ સેવાઓ માટે અમારા ટ્રેઈન્ડ ઈમ્પોર્ટેડ ઝંડાધારી માણસોની સેવા સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી મેળવો. પતંગ ફાટે નહીં તેની ગેરંટી.
જોઈએ છે
સારું કમાતા આધેડ નિઃસંતાન ડાયવોર્સીને ફીરકી પકડનાર જોઈએ છે. જ્ઞાતિબાધ નથી.
યુપીએ ગૂંચ ર્સિવસ
કોઈ પણ ગૂંચ ઓછામાં ઓછા વેસ્ટેજ સાથે ઉકેલી આપવામાં આવશે. પકડેલી દોરી અને ઉકેલેલી ગૂંચના લચ્છા તેમજ પિલ્લાં પણ વાળી આપવામાં આવશે. કોઈ પણ પ્રકારની ગૂંચ સ્વીકારવામાં આવે છે.
પતંગ ચગાવતાં શીખો માત્ર સાત દિવસમાં.
થિયરી અને પ્રેક્ટિકલ બંને શીખો. ઓછી દોરીમાં પતંગ ચગાવતાં અને આગળના ધાબાવાળી છોકરીના મંગેતરનો પતંગ હાથોહાથમાંથી ઘસી આપવાની થિયરી નાસામાં ટ્રેઈન થયેલા એરોનોટિકલ એન્જિનિયર શીખવશે. પ્રેક્ટિકલ ટ્રેનિંગ ખાડિયાની પોળોમાં ચાલીસ વર્ષ પતંગ ચગાવવાનો અનુભવ ધરાવતાં કોચ આપશે.
ગાંડું બામ
ઉત્તરાયણની રાતે ખભા, કમર અને પગની પીંડી પર લગાડવા માટે અસરકારક ગાંડું બામ. બોલિવૂડમાં વખણાયેલ એકમાત્ર બામ. રાત્રે બામ લગાડો, સવારે પતંગ ચગાવો.
અખિલ અમદાવાદ ઝંડાધારી સંઘની વાર્ષિક બેઠક
ઝંડાધારી સંઘના માનવંતા સભ્યોને જણાવવાનું કે આગામી ૨૦૧૨ની સામાન્ય સભા રવિવાર તારીખ ૮મી જાન્યુઆરીના રોજ રાખવામાં આવેલ છે. આ સભામાં ગત વર્ષના હિસાબોની મંજૂરી, આગામી વર્ષ માટે કારોબારીના સભ્યોની ચૂંટણી તથા નવા સભ્યોની શપથવિધિ યોજાશે. સભ્યો આવનાર ઉત્તરાયણ દરમિયાન માત્ર પતંગ પકડવાની અને લૂંટવાની કાર્યવાહી જ કરશે તે મુજબ શપથ લેવાના રહેશે. ખાસ જણાવવાનું કે સંઘમાં ચાલુ વર્ષમાં જોડાયેલ સભ્યોનો ટ્રેનિંગ પ્રોગ્રામ નવમીના રોજ કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે યોજાશે. ટ્રેનિંગ બાદ નવા સભ્યોને કીટનું (એક ઝંડો, ચાઈનીઝ દોરીનું લંગસ, બાઈનોક્યુલર અને હેલ્મેટ) વિતરણ માજી સંસદ સભ્ય દ્વારા કરવામાં આવશે. લિ. સેક્રેટરી, અ.અ.ઝં.સં.
ઉત્તરાયણ સ્પેશિયલ ટૂર
શું તમને પતંગ ચગાવતા નથી આવડતું? શું તમને ઉત્તરાયણ પર ધાબામાં ચઢવાનો કંટાળો આવે છે? શું ‘કાયપો છે’ બૂમો પાડતાં લોકોને જોઈ જ તમને ચીડ ચડે છે? શું તમને એવું લાગે છે ધાબા પર ચડનાર બધાં બેવકૂફ છે? જો આ બધાં સવાલોનો જવાબ ‘હા’ હોય તો અમારી નાસિક--ત્રમ્બંક-શિરડીની ટૂરમાં જોડાઈ જાવ. ચોક્કસ ઊપડે છે ૧૩મી તારીખે.
કાલીચરણ જ્યોતિષ
ઝેરીલા પાડોશીની પતંગ ઝાડમાં ફસાય, પેચ દરમિયાન દુશ્મન પર વશીકરણ, દુશ્મની ફીરકીમાં ગૂંચ, સામેવાળાના ધાબા પર અંદર અંદર પેચ, મંત્ર જાપના જોરે પતંગ કાપો, માત્ર રૂપિયા એકાવન.
જૂના પતંગ લે-વેચ માટે
૨૦૧૨નાં મોડલ ચીલ, ઢાલ, ઘેશિયા મળશે. એક હાથે વપરાયેલા પતંગ લેવા માટે પધારો. કંપની દ્વારા રિપેરિંગ અને ર્સિવસ કરાયેલા ચગવાની ગેરંટીવાળા પતંગો. જૂના પતંગ આકર્ષક ભાવે ખરીદવામાં આવે છે. બજરંગ રિયલ વેલ્યૂ ર્સિવસ.
મેજિક ગુંદરપટ્ટી
ઉખાડીને ફરી વાપરી શકાય તેવી ઈકો ફ્રેન્ડલી ગુંદરપટ્ટી. છૂટક તથા જથ્થાબંધ મળશે. ડીલર નીમવાના છે.
ગાયોને ઘાસ
કચ્છથી મંગાવેલું સ્પેશિયલ ઘાસ આ ઉત્તરાયણ પર ગાયોને ઘેર બેઠાં ખવડાવો અને પુણ્ય કમાવો. લોગ ઓન ટુ વવવ.ગાયોનેઘાસ.ક